કોઈ દિવસ ભક્તો વિના સૂનું ના રહેતું ચોટીલા ધામમાં સાંજ પડતા જ થઇ જાય છે સુમસામ, તેની પાછળ છે આ રહસ્યમય કારણ

સુરેન્દ્ર નગર જિલ્લામાં આવેલુ ચોટીલાધામમાં 64 જોગણીમાના એક અવતાર એવા ચામુંડા મા બિરાજે છે. એક હજાર 173 ફૂટ ઊંચાઇ પર બિરાજિત ચામુંડા મા એ હિંદુઓના કુળદેવી છે. પૂનમના દિવસે ત્યાં એટલી બધી ભીડ જોવા મળતી હોય છે કે ત્યાં પગ મૂકવાની પણ જગ્યા હોતી નથી. દેશ વિદેશમાંથી લોકો માતાજીના દર્શન કરવા માટે ચોટીલાધામમાં આવે છે.

લગભગ એક હજાર જેટલા પગથિયા ચઢીને જઇએ ત્યારે માતાજીના દર્શન થાય છે. ડુંગરની સૌથી ઊંચી ટોચ પર માતાજીનું સ્થાન બિરાજમાન છે. ત્યારે આજે આપણે જાણીશું ચોટીલા મંદિર સાથે જોડાયેલી કેટલીક દંતકથા, અને રોચક ઇતિહાસ વિશે.

હજારો વર્ષ પહેલાની આ વાત છે. જ્યારે પૃથ્વી પર ચંડ અને મુંડ નામના રાક્ષસો હતા. આ બંને રાક્ષસોએ લોકોનું જીવવાનું હરામ કરી નાંખ્ય હતું. પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી હતી તેમજ રાક્ષસો ઋષિ મુનિઓને પણ ખૂબ ત્રાસ આપતા હતા.

તેવામાં એક દિવસ બધા લોકોએ અને ઋષિમુનિઓએ ભેગા થઇને આ રાક્ષસોથી બચવા માટે માતાજીની આરાધના કરવાનું શરુ કર્યુ. ઋષિમુનિઓએ યજ્ઞ કરીને માતાજીનુ આહ્વાન કર્યુ અને હવન કુંડમાંથી એક ચમત્કારિક રીતે આદ્ય શક્તિ પ્રગટ થઇ. આ મહાશક્તિએ ચંડ અને મુંડ નામના બંને રાક્ષસોના વધ કર્યા ત્યારથી આ મહાશક્તિને ચામુંડા તરીકે ઓળખાય છે.

ગુજરાતમાં યાત્રાધામો પૈકી એક પૌરાણિક યાત્રાધામ ચોટીલા ચામુંડા માતાજીનું મંદિર છે. એવુ પણ કહેવાય છે કે ચામુંડા માતા એ તાંત્રિકની દેવી પણ છે. જો કોઇ તમારી પર મેલી વસ્તુનો પ્રયોગ કરીને તમને હેરાન કરતુ હોય તો ચામુંડા માતાનું નામ લેવાથી ખરાબ તત્વોનો નાશ થાય છે.

એવી પણ માન્યતા છે કે જે સ્ત્રીના વાળ ખૂબ જ ખરતા હોય તો માતાજીને ખોટો ચોટલો ચઢાવવાથી માનતા રાખે તો તેના વાળ લાંબા અને ઘટાદાર બની જાય છે. ચોટીલામાં યાત્રાળુઓ દૂર દુરથી દર્શન કરવા માટે આવતા હોય છે. ચામુંડા માતાજી બધાની મનોકામના પૂર્ણ કરે છે ઘણા લોકો તો દૂરથી પગપાળા માતાજીના દર્શન કરવા માટે આવતા હોય છે. અહીં આવનારા ભક્તોને માતાજી હાજરાહજુર હોવાનો અનુભવ થાય છે.

ચોટીલામાં રોજના હજારો ભક્તો માતાજીના દર્શન કરવા માટે આવે છે. વહેલી સવારથી સાંજની આરતી સુધી ડુંગર પર ભક્તોની અવર જવર રહે છે. પરંતુ સાંજની આરતી બાદ પૂજારી સહિત તમામ લોકો ડુંગર પરથી નીચે ઉતરી જાય છે.

મંદિરમાં પૂજારી પણ રોકાતા નથી. માત્ર માતાજીની મૂર્તિ સિવાય કોઇ પણ મનુષ્ય ત્યાં ફરકતુ નથી. એની પાછળ લોકોમાં એક એવી માન્યતા છે કે આજના દિવસે પણ કાલભૈરવ સાક્ષાત મંદિરની બહાર તેમનું રક્ષણ કરે છે.

સાથે એમ પણ કહેવાય છે કે રાત્રે ડુંગર પર સિંહ પણ ફરતા જોવા મળે છે. ચામુંડા માતાને સિંહ પર સવારી કરવી ગમે છે. માતાજીના એક હાથમાં ત્રિશૂલ અને તલવાર જેવા શસ્ત્રો હોય છે. મા ચામુંડાનો નિવાસ વડના વૃક્ષ પર હોવાનું પણ માનવામાં છે.

Team Dharmik