દેશનું પહેલુ મંદિર, જ્યાં બુલેટની થાય છે પૂજા : ટોરંટો સુધી પહોંચી ઓમ બન્નાની ગુંજ, દેશમાં બુલેટ વાળા બાબાના નામથી છે ફેમસ

ભારત એક એવો દેશ છે, જ્યાં તમને અમુક કિલોમીટરના અંતરે કોઇના કોઇ પ્રાચીન મંદિર જોવા મળી જ જશે. આ મંદિરોની પોતાની આગવી ઓળખ અને માન્યતાઓ છે, જ્યાં લોકો દૂર-દૂરથી દર્શન કરવા આવે છે. દેશમાં ઘણા મંદિરો બનાવવામાં આવ્યા છે, પરંતુ શું તમે ક્યારેય બુલેટ મંદિર વિશે સાંભળ્યું છે ? અમે આ એમ જ નથી કહી રહ્યા પરંતુ આ વાસ્તવિકતા છે. રાજસ્થાનમાં એક મંદિર છે જ્યાં 350cc રોયલ એનફિલ્ડ બુલેટ (નંબર 7773)ની પૂજા કરવામાં આવે છે.

પ્રસાદમાં મીઠાઈને બદલે દારૂ ચઢાવવામાં આવે છે. આ મંદિર બુલેટ વાળા બાબાના નામથી પ્રખ્યાત છે. એવું માનવામાં આવે છે કે બાબા તેમના દરેક ભક્તને માર્ગ અકસ્માતથી બચાવે છે. આ મંદિરમાં દેશ-વિદેશના ભક્તો મોટી સંખ્યામાં આવે છે. પાલી-જોધપુર હાઈવે પર બનેલા આ મંદિરની વાર્તા પણ ઘણી રસપ્રદ છે. આખરે મંદિરનું નામ બુલેટ વાલા બાબા કેમ રાખવામાં આવ્યું, શું છે તેની પાછળની કહાની. તો ચાલો જાણીએ. ડિસેમ્બર 1988ની વાત છે.

પાલી જિલ્લાના નાના ગામ ચોટીલાના ઠાકુર જોગસિંહ રાઠોડનો 25-26 વર્ષનો પુત્ર ઓમ સિંહ રાઠોડ તેની 350 સીસી રોયલ એનફિલ્ડ બુલેટ (નંબર 7773)માં તેના સાસરેથી ચોટીલા ગામ તરફ આવી રહ્યો હતો. ત્યારે રસ્તાની વચ્ચોવચ બાઇક સંતુલન ગુમાવવાને કારણે ઝાડ સાથે અથડાઇ અને ઓમસિંહ રાઠોડનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માત બાદ પોલીસ ઓમ બન્નાની બાઇકને પોલીસ સ્ટેશન લાવી હતી. કહેવાય છે કે બીજા દિવસે સવારે પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મીઓને બાઇક મળી ન હતી.

પોલીસે શોધખોળ કરતાં બાઇક સ્થળ પરથી મળી આવ્યું હતું. પોલીસ સ્ટેશનથી બાઇક કેવી રીતે ઘટનાસ્થળે પહોંચી તે જોઈને પોલીસ પણ આશ્ચર્યમાં પડી ગઈ હતી. અગાઉ એવું માનવામાં આવતું હતું કે કોઈએ જાણી જોઈને આવું કર્યું હશે અને પોલીસ બુલેટને પોલીસ સ્ટેશનમાં પાછી લાવી હતી. બાઇકને સાંકળોથી બાંધી રાખવામાં આવી હતી. આ પછી બીજા દિવસે પણ પોલીસને ઘટના વાળી જગ્યાથી મળી.

આખા ગામમાં ચોંકાવનારી વાત ફેલાઈ ગઈ. વારંવાર થતા બાઇક અકસ્માતની જગ્યા શોધવાને લોકોએ ચમત્કાર ગણાવ્યો હતો. ઓમ બન્નાના પિતા ઠાકુર જોગસિંહ રાઠોડે પણ લોક લાગણીને ધ્યાનમાં રાખીને ચબૂતરો બનાવ્યા બાદ તે જગ્યાએ બાઇક રાખી હતી. આ પછી બાઇકની પૂજા શરૂ કરી. ધીરે ધીરે આ જગ્યા ઓમ બન્ના (બુલેટ વાલે બાબા)ના નામથી દેશભરમાં જાણીતી થઈ.

ઓમ બન્નાના પુત્ર પરાક્રમ સિંહ રાઠોડના નેતૃત્વમાં રચાયેલી સમિતિ દ્વારા તેનું ધ્યાન રાખવામાં આવે છે.ઓમ બન્નાને પશ્ચિમ રાજસ્થાનમાં કોઈ પરિચયની જરૂર નથી. લોકોમાં આસ્થાનું પ્રતિક બની ગયેલી ઓમ બન્નાની બુલેટ બાઈક હવે ઈન્ટરનેશનલ ટોરોન્ટો ફિલ્મ ફેસ્ટિવલમાં પણ ગુંજી રહી છે.

Team Dharmik