મંદિરમાં ચોરી કરવા ઘુસ્યો ચોર, ભગવાને ઓન ધ સ્પોટ આપી દીધી સજા, જુઓ વીડિયો

કહેવાય છે ને કે ભગવાન બધુ જુએ છે. ગુના અને પાપ કરનારને ભગવાન સજા આપે છે. આવી જ એક ઘટના સામે આવી છે જેમાં ભગવાને એક ચોરને ઓન ધ સ્પોટ સજા આપી દીધી. આ ઘટના આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ જિલ્લાની છે. અહિંયા એક ચોર મંદિરમાં ચોરી કરવા ઘુસ્યો હતો. આ ચોર મંદિરમાં ઘુસી ગયો અને ભગવાનની મૂર્તિને પહેરાવવામાં આવેલા ઘરેણા ચોરી લીધા. જો કે તે ચોરી કરીને મંદિરની બહાર ન નિકળી શક્યો. તે ત્યાં જ ફસાઈ ગયો. હવે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઈ રહ્યો છે.

આ ચોરની ઓળખ 30 વર્ષિય પાપા રાવ તરીકે થઈ છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે, પાપા રાવ દારુડિયો છે. રિપોર્ટ અનુસાર તેણે જામી યેલમ્મા (સ્થાનિક દેવતા)ના મંદિરમાં ચોરી કરવા માટે દિવાલમાં એક નાનું બાકોરું પાડ્યું. તે આ બાકોરામાંથી મંદિરની અંદર ઘુસ્યો. આરોપી મંદિરમાં સોના અને ચાંદીના ઘરેણા ચોરવા ગયો હતો.

રિપોર્ટ અનુસાર પાપા રાવ મંદિરમાં અંદાજે 20 ગ્રામ ચાંદીના ઘરેણાં ચોર્યા બાદ બાકોરામાંથી બહાર નિકળવાની કોશીશ કરી રહ્યો હતો, જ્યાથી તે અંદર આવ્યો હતો,પરંતુ તે બહાર નિકળતી વખતે બાકોરામાં ફસાઈ ગયો. તે તેમાથી બહાર નહોતો નિકળી શકતો. ત્યાર બાદ તે મદદ માટે રાડો પાડવા લાગ્યો. જ્યારે આસપાસના લોકો ત્યાં પહોચ્યા તો તેમણે જોયું કે પાપા રાવ વિચિત્ર સ્થિતિમાં દિવાલમાં ફસાયેલો હતો. તે બાકોરામાંથી બહાર નહોતો આવી શકતો.જો કે ત્યાર બાદ મહામહેનતે સ્થાનિક લોકોએ તેને બહાર કાઢ્યો અને બાદમાં પોલીસને સોપી દીધો.

આ અંગે પોલીસે જણાવ્યું કે, પાપા રાવ દારૂ પીવા માટે ચોરી કરતો હતો. અહિંયા સુધી કે તેમણે થોડા દિવસ પહેલા પોતાના જ ઘરમાંથી ગેસના સિલિંડરની ચોરી કરી હતી. પોલીસે તેમની પાસેથી મંદિરમાંથી ચોરી કરેલા ઘરેણા ઝડપી લીધા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Team Dharmik