મોગલ માતાના ભગુડાધામની અંદર મુસ્લિમ બિરાદર આપે છે ખજાનચી તરીકે સેવાઓ, જાણો મા મોગલના ભગુડાધામનો ઈતિહાસ

ભક્તોની આસ્થાનું કેન્દ્ર એવા ભગુડા મોગલધામનો ઈતિહાસ શું છે ? આ વાત એટલે કે એક મુસ્લિમ બિરાદર આ મંદિરમાં ખજાનચી તરીકેની સેવા આપે છે. આ મુસ્લિમ બિરાદર કોણ છે અને મંદિર સાથેનો તેમનો સંબંધ શું છે એ પણ જાણીશું.

મોગલના ચાર ધામમાંથી આજે આપણે વાત કરીશું ગોહિલવાડમાં ભગુડા મોગલધામની. એક લોકવાયકા મૂજબ 450 વર્ષ પહેલાં નળરાજાની તપોભૂમિ ભગુડા ગામે માતાજી પધાર્યાં હતાં. ભાવનગરથી 80 કિ.મી,. મહુવાથી 25 કિ.મી., બગદાણાથી માત્ર 11 કિ.મી. અને ગોપનાથથી 30 કિ.મી.ના અંતરે આવેલું ભગુડા ગામ એ જ માંગલ ધામ છે. મહુવા તાલુકાનું ભગુડા ગામ મોગલ માતાના ચાર ધામો પૈકીનું એક ધામ છે. આ મંદિરનો ઈતિહાસ રોચક છે.

આશરે 450 વર્ષ પહેલાં દુકાળ પડતાં આહીર સમાજના પરિવારો ગીર ચાલ્યા ગયા હતા. ત્યાં ચારણ અને આહીર જ્ઞાતિના બે વડીલ મહિલાઓ વચ્ચે સગી બહેનો કરતાં પણ વિશેષ સંબંધ બંધાયો હતો. ચારણ જ્ઞાતિના ડોશીના નેસડે મોગલ માતાનું સ્થાનક હતું, તેથી તેમણે આહીર જ્ઞાતિનાં વૃદ્ધાની રક્ષા થાય એ માટે આઈ મોગલને કાપડમાં આપ્યા હતા. માતાજીને સાથે લઈ આહીર વૃદ્ધા ભગુડા આવ્યાં હતાં અને અહીં તેમણે નળિયાવાળા કાચા મકાનના ગોખલામાં માતાજીની સ્થાપના કરી પૂજા-અર્ચના શરૂ કરી હતી.

મોગલ પ્રત્યે કામળિયા સોરઠિયા આહીર પરિવારોની અખૂટ શ્રદ્ધા અને ભક્તિ છે. આ ઉપરાંત જે કોઈ માંઈભક્તો મનથી સ્મરણ કરી મા પાસે માગે તો માતાજી મનોકામના પૂર્ણ કરે છે, તેથી જ મોગલ માતાના ભક્તોની સંખ્યા હાલમાં લાખો-કરોડોએ પહોંચી છે. ભગુડામાં મોગલ માતાજીનું સ્થાપન જૂનું હતું. આ સ્થાપની જગ્યાએ 23 વર્ષ પૂર્વ મંદિરનું નવનિર્માણ કરવામાં આવ્યું હતું. જાણીતા હાસ્ય કલાકાર માયાભાઈ આહીર સહિતના ટ્રસ્ટીઓની મહેનત અને લોકોની અખૂટ શ્રદ્ધાને કારણે આ ઐતિહાસિક ધામ આજે જગવિખ્યાત થયું છે. દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓને રહેવા-જમવા સહિતની સુવિધા મંદિર ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી રહી છે.

બહુ ઓછા લોકો જાણે છે કે મંદિરના ટ્રસ્ટમાં ખજાનચીની જવાબદારી મુસ્લિમ બિરાદર રમઝાન શેઠ બોરડાવાળા સંભાળે છે. રમઝાન શેઠ માતાજીના ભક્ત કેમ બન્યા એ પણ રસપ્રદ કહાણી છે. તળાજા તાલુકાના બોરડા ગામનાના રહેવાસી રમઝાન શેઠનું એક કામ થઈ જતાં તેમણે માતાજીના મંદિરમાં રૂ.1000 દાનમાં આપવાનું નક્કી કર્યું. તેમણે મંદિર સાથે સંકળાયેલા આહીર સમાજના લોકોને વાત કરી. તો ગામલોકોએ કહ્યું હતું કે તમારી ભાવનાની કદર કરીએ છીએ, પણ દાન રાખવા માટે દાનપેટી નથી, આથી રમઝાન શેઠે દાનની રકમમાંથી રૂ.350ની દાનપેટી બનાવી. આ દાનપેટી મંદિરમાં મૂકી અને પહેલીવાર બાકી વધેલા રૂ.650 પેટીમાં નાખ્યા. આગળ જતાં રમઝાન શેઠે બીજી વખત પણ રૂ.10 હજારનું દાન કર્યું. આમ, દાનની સરવાણી વહેતી થઈ, જે આજે પણ યથાવત્ છે. રમઝાન શેઠને પછી ટ્રસ્ટમાં ખજાનચી બનાવાયા અને તેમના હાથે જ દાનપેટી ખોલવાની પરંપરા શરૂ થઈ.

નવા મંદિરમાં શ્રદ્ધાળુઓ માટે રહેવા-જમવાની સુવિધા ઊભી કરાઈ છે. તો વિશાળ મેદાનમાં વાહન પાર્કિંગની સુવિધા પણ ઊભી કરવામાં આવી છે. શ્રદ્ધાળુઓ ગમે તે સમયે માતાજીનાં દર્શન કરી શકે એ માટે મંદિર 24 કલાક ખુલ્લું રહે છે. મંગળવાર માતાજીનાં દર્શન માટે અતિશુભ ગણાય છે, એટલે આ વારે દર્શનાર્થીઓની ભીડ વધુ રહે છે. આ ઉપરાંત રવિવારે પણ લોકો દૂર દૂરથી દર્શનાર્થે આવે છે. કામળિયા સોરઠિયા આહીર જ્ઞાાતિનાં 60 કુટુંબનો દર ત્રણ વર્ષે માતાજીને તરવેડો એટલે કે ભેળિયો ચડે છે. મોગલ માતાના જન્મ વિશે એવું કહેવાય છે કે તેમનું જન્મસ્થાન દ્વારકા-બેટદ્વારકા વચ્ચે આવેલા ભીમરાણા ગામ છે. આશરે 1800થી 2000 વર્ષ પહેલાં મોગલ માતાજીનો ભીમરાણામાં જન્મ થયો હતો.

ગુજરાતમાં માતાજીના મુખ્ય ચાર ધામો છે, જેમ કે દ્વારકામાં આવેલા ભીમરાણા, બગસરામાં આવેલા ગોરયાળી, બાવળાનું રાણેસર અને ભગુડા. દર વર્ષે વૈશાખ સુદ 12ના રોજ માતાજીનો પાટોત્સવ ઊજવાય છે, જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાંથી બેથી ત્રણ લાખ લોકો ઊમટી પડે છે. એક લોકવાયકા પ્રમાણે, મા મોગલ ચોર ઉપર કોપાયમાન થાય છે, જેથી ભગુડા ગામમાં ક્યારેય ચોરીનો બનાવ બન્યો નથી. ગામલોકોને માતાજી પ્રત્યે એટલી શ્રદ્ધા છે ત્યારે ભગુડા ગામના એકપણ ઘર કે દુકાનમાં ક્યારેય તાળું મરાતું નથી. કોઈ વ્યવસ્થાના ભાગે તાળાં મરાતાં હોય એ અપવાદરૂપ છે.

(સૌજન્ય: દિવ્ય ભાસ્કર)

Dharmik Duniya Team