લીલા નેજાધારી રણુજાના રાજા એવા રામદેવ પીરનો મહિમા છે અપરંપાર, જાણો કેમ તેમને પીર કહેવામાં આવે છે ? ખુબ જ રોચક છે પ્રસંગ

રણુજામાં આવેલા રામદેવ પીરનો ઇતિહાસ જ કંઈક જુદો છે, હિન્દૂ હોય કે મુસ્લિમ કે પછી ભલે કોઈ દલિત હોય તેમના મંદિરમાં આજે પણ દરેક ધર્મના લોકો ભક્તિભાવથી તેમની પૂજા અર્ચના કરે છે, દૂર દૂરથી રણુજા દર્શન કરવા માટે લોકો જાય છે, અને ખાસ ત્યાં ભરાતા મેળાના દિવસે તો પાકિસ્તાનથી પણ મુસ્લિમ શ્રદ્ધાળુઓ પીરના દર્શન માટે આવે છે.

એવું કયું કારણ છે કે મુસ્લિમ ધર્મના લોકો માટે પણ એક હિન્દૂ વ્યક્તિ આસ્થાનું કેન્દ્ર બની ગયા? આજે અમે તમને રામદેવપીરના એ પ્રસંગ વિશે જણાવીશું જેના કારણે મુસ્લિમો પણ નતમસ્તક થઈને રામદેવ પીરની ભક્તિ કરી રહ્યા છે.

રામદેવજીનું ગામ રુણીચા હતું, અને તેમના પરચાઓની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાયેલી હતી, પરંતુ આ વાત રુણીચા અને તે ગામની આજુબાજુના લોકોને પસંદ ના આવી તેમને લાગ્યું કે તેમનો ઇસ્લામ ધર્મ ખતરામાં આવી ગયો છે જેના કારણે મૌલવીઓએ રામદેવજી નીચું બતાવવા માટે ઘણા ઉપક્રમ કર્યા પરંતુ તેમના બધા જ નુસખાઓ વ્યર્થ ગયા.

જયારે એ મૌલવીઓના બધા જ પ્રયત્નો અસફળ રહ્યા ત્યારે તેમને મક્કાના મૌલવીઓ અને પીરોને આ વાત કહી તેમને કહ્યું કે ભારતમાં એક એવા પીરનો જન્મ થયો છે જે આંધળાને આંખો સાજી કરે છે, અપંગોને ચાલતા શીખવી દે છે અને મરેલાને પણ જીવતા કરે છે. મક્કાના મૌલવીઓએ આ વાત ઉપર વિચાર કરી અને પોતાના પૂજ્ય 5 ચમત્કારિક પીરોને બાબાની ખ્યાતિ અને તેમના ચમત્કારોની ચકાસણી કરવા માટે મોકલવાનું નક્કી કર્યું. એ 5 પીર પણ રામદેવ બાબાની શક્તિનું પરીક્ષણ કરવા માટે ઉત્સુક થઇ ગયા અને થોડા જ દિવસમાં મક્કાથી રુણિચાના રસ્તા ઉપર ચાલવા લાગ્યા.

રસ્તાની અંદર જ એ 5 પીરની મુલાકાત બાબા સાથે થઇ, પાંચેય પીરે રામદેવજીને પૂછ્યું કે “ભાઈ, રુણીચા અહિયાંથી કેટલું દૂર છે?” ત્યારે રામદેવજીએ કહ્યું “સામે જે ગામ દેખાય છે તે જ રુણીચા છે, પરંતુ શું હું આપનું રુણીચા આવવાનનું કારણ જાણી શકું છું?” ત્યારે એ પાંચ પીરમાંથી એક પીરે કહ્યું “અમારે રામદેવજીને મળવું છે અને અમારે એમની પીરાઇ જોવી છે.” ત્યારે રામદેવજીએ કહ્યું: “હે પીરજી, હું જ રામદેવ છું, અને તમારી સામે જ ઉભો છું, આજ્ઞા કરો હું આપની શું સેવા કરી શકું?” રામદેવજીની વાત સાંભળીને પાંચેય પીર તેમના ઉપર હસવા લાગ્યા અને કહ્યું “સાધારણ જેવા દેખાવવા વાળો વ્યક્તિ આ પીર છે?”

રામદેવજીએ તે પાંચેય પીરને પોતાના ઘરે જમવા માટે આમંત્રણ આપ્યું, એ પાંચેય પીર માટે રામદેવજીના ઘરે જમવા માટે પાથરણા પથરાય, તકિયા લગાવવામાં આવ્યા, અલગ અલગ મિષ્ટાન બનાવવામાં આવ્યા અને પાંચેય પીરને જમવા માટે બેસાડવામાં આવ્યા, જયારે પાંચેય પીર જમવા માટે બેઠા ત્યારે એક પીરે કહ્યું: “અરે અમે અમારા જમવાના કટોરા તો મક્કામાં ભૂલી ગયા ગયા છીએ, અને અમે તો અમારા જ કટોરામાં જમીએ છીએ એવો આમરો નિયમ છે, હવે અમે શું કરીએ? જો તમે મક્કાથી અહીંયા કટોરા મંગાવી શકો છો તો અમે તમારા ઘરે ભોજન ગ્રહણ કરીશું, નહિ તો અમે નહિ કરી શકીએ.”

ત્યારે રામદેવજીએ પણ તેમને વિનમ્રતા પૂર્વક કહ્યું કે “અમારો પણ નિયમ છે કે અમે મહેમાનને ભોજન લીધા વિના નથી જવા દેતા, જો તમે તમારા કટોરામાં જમવા ઈચ્છો છો તો એવું જ થશે” રામદેવજી બોલતાની સાથે જ એક ચમત્કાર બતાવ્યો અને એ પાંચેય પીર સામે તેમના કટોરા રાખી દેવામાં આવ્યા. એ પાંચેય પીરે એ કટોરાને ખુબ જ બારીકીથી જોયા અને સંપૂર્ણ ખાતરી કરી કે આ એજ કટોરા હતા જે તેઓ મક્કામાં મૂકીને આવ્યા હતા. પાંચેય પીરે વિચાર કર્યો કે મક્કા તો કેટલું બધું દૂર છે છતાં પણ રામદેવજીએ પોતાના ચમત્કારથી એ કટોરા પળવારમાં જ અહીંયા લઇ આવ્યા, ખરેખર તે એક દિવ્યપુરૂષ જ છે. અને ત્યારે એ પાંચેય પીરોએ રામદેવજીને કહ્યું: “તમે પીરોના પીર છો.”

રામદેવજીનો આ ચમત્કાર જોઈને એ પાંચેય પીરોએ તેમને “રામદેવ પીર”ની ઉપાધિ આપી અને ત્યારથી જ દુનિયામાં રામદેવજી રામદેવ પીરના નામે ઓળખાવવા લાગ્યા અને મુસ્લિમો પણ તેમની આદરભાવ પૂર્વક પૂજા કરવા લાગ્યા. આજ પણ રામદેવ પીરનું એટલું જ મહત્વ છે આજે પણ લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો તેમના દર્શન માટે જાય છે, હિન્દૂ હોય કે મુસ્લિમ તેમની ભક્તિભાવ પૂર્વક પૂજા કરે છે અને તેમને બાબામાં અતૂટ આસ્થા પણ રહેલી છે, બાબા રામદેવ પીર સૌની મનોકામનાઓ પણ પૂર્ણ કરે છે.

જય રામદેવ પીર !!

Dharmik Duniya Team