નવરાત્રી 2020: આ વર્ષે ઘોડા પર સવાર થઈને ધરતી પર આવશે માં દુર્ગા, જાણો શું છે તેનો સંકેત

વર્ષ 2020-નવરાત્રી 17 ઓક્ટોબરના રોજ શરૂ થશે અને 25 ઓક્ટોબરે પૂર્ણ થશે. આ વર્ષે તિથિઓના ઉતાર-ચઢાવને લીધે નવ દિવસોમાં જ દસ દિવસનો ઉત્સવ થશે. જો કે કોરોના મહામારીને લીધે નવરાત્રીના ગરબા યોજાઈ શકે તેવી સંભવાના ઓછી છે.

તિથિઓમાં ફેરફાર થવાને લીધે 24 ઓક્ટોબરે સવારે 6.58 મિનિટ સુધી અષ્ટમી(આઠમું નોરતું, આઠમ) હશે અને તેના પછી નવમી(નમવું નોરતું, નોમ) થશે. બે તિથિ એક જ દિવસમાં આવવાની છે માટે અષ્ટમી અને નવમીની પૂજા એક જ દિવસમાં થશે જ્યારે નવમીના પછીના દિવસે સવારે 7.14 મિનિટ પછી દશમી(દસમું નોરતું, દશેરા) થશે. જેને લીધે દશેરા અને અપરાજિતા પૂજનનું આયોજન એક જ દિવસમાં થશે. એટલે કે 17 થી 25 ઓક્ટોબરની વચ્ચે નવ દિવસમાં દસ પર્વ સંપન્ન કરવામાં આવશે.

નવરાત્રીનો દરેક દિવસ અલગ અલગ મહત્વ રાખે છે. પુરા નવ દિવસમાં દુર્ગા માતાના નવ સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે. નવરાત્રીના પહેલા દિવસે કળશ સ્થાપના પણ કરવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓના આધારે નવરાત્રીમાં માં દુર્ગા કૈલાશ પર્વતથી ધરતી માટે યાત્રા શરૂ કરે છે. આ દિવસોમાં માતા ખાસ વાહન પર સવાર થઈને ધરતી પર આગમન કરે છે. જો કે માં દુર્ગાનું વાહન સિંહ માનવામાં આવે છે પણ દરેક વર્ષે તિથિના આધારે માતા અલગ-અલગ વાહનો પર સવાર થઈને ધરતી પર આવે છે.

ખાસ કરીને માં દુર્ગા પાલકી, નાવ(હોડી), હાથી કે ઘોડા પર સવાર થઈને આવે છે. જે વાહન દ્વારા માં આવે છે તેના આધારે ભવિષ્યમાં થનારી ઘટનાઓ વિશેના સંકેતો મળે છે. દેવીભાગ્ય પૂરાણના આધારે નવરાત્રીની શરૂઆત સોમવાર કે રવિવારે હોય તો માતા હાથી પર સવાર થઈને આવે છે. શનિવાર કે મંગળવાર હોય તો ઘોડા પર, ગુરુવાર કે શુક્રવાર હોય તો ડોલી(પાલકી)પર, બુધવાર હોય તો નાવ પર સવાર થઈને માતા ધરતી પર આવે છે. માતા જે વાહન દ્વારા આવે છે તેના આધારે વર્ષમાં થનારી ઘટનાઓ વિશેના સંકેતો મળે છે.

આ વર્ષે નવરાત્રીની શરૂઆત શનિવારે થવાની છે માટે માતાનું વાહન અશ્વ એટલે કે ઘોડો હશે. માં ઘોડા પર સવાર થઈને આવશે અને ભેંસ પર સવાર થઈને વિદાઈ લેશે. ઘોડા પર સવાર થઈને આવવાનો અર્થ છત્ર ભંગ, પાડોશી દેશ સાથે યુદ્ધ, આંધી-તુફાન-સુનામી થઇ શકે છે.

આવનારા વર્ષમાં અમુક રાજ્યોમાં ઉથલ પુથલ થઇ શકે છે. કૃષિની બાબતમાં આવનારો સમય સામાન્ય રહેશે. દેશના ઘણા સ્થાનો પર ઓછો વરસાદ થવાથી ખેતરના પાકમાં હાનિ થઇ શકે છે જે ખેડૂતો માટે ચિંતાનો વિષય રહેશે.

આ વખતે માતાનું ભેંસ પર સવાર થઈને વિદાઈ લેવું શુભ માનવામાં નહિ આવે. માતાના આગમનની જેમ માતાની વિદાઈ પણ ભવિષ્યમાં થનારી ઘટનાઓના સંકેતો આપે છે. શાસ્ત્રોના આધારે રવિવારે વિજ્યાદશમી થવા પર માતા હાથી પર સવાર થઈને વિદાઈ લે છે. માતાની વિદાઈ હાથી પર થવાથી આવનારા વર્ષમાં ખુબ વરસાદ થાય છે જેને લીધે ખેડૂતોની સમસ્યા અનેક ગણી ઓછી થાય છે.

Team Dharmik