ગિરનારના સૌથી ઊંચા શિખર પર ચઢાવવામાં આવી 26 ફૂટ લાંબી ધર્મની ધજા

ગિરનાર : સૌથી ઊંચા શિખર પર ચઢાવાઇ 26 ફૂટ લાંબી ધર્મની ધજા, 151 કિલો પિત્તળનો ધજા સ્તંભ પણ કરાયો ઊભો

ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કહેવાતા ગિરનાર પર્વત પર ધર્મની ધજા ફરકાવવામાં આવી છે. ગિરનાર પર્વતનું સૌથી ઊંચુ શિખર ગુરુ ગૌરક્ષનાથ છે, જમીનથી 3663 ફૂટની ઊંચાઇ પર આ શિખર આવેલું છે. આ શિખર પર નવો સ્તંભ ઊભો કરવામાં આવ્યો છે. દેશ વિદેશથી યાત્રાળુઓ અહીં દર્શન માટે આવતા હોય છે. ત્યારે પહેલીવાર ગુજરાતની સૌથી મોટી ઊંચાઇ પરના ધાર્મિક સ્થાન પર 26 ફૂટ લંબાઇ ધરાવતો અને 151 કિલો વજનનો પિત્તળનો ધજા સ્તંભ સ્થાપિત કરવામાં આવ્યો છે, જે જયપુરથી મંગાવવામાં આવ્યો હતો.

ગિરનાર પર્વત ગુજરાતીઓનુ ગૌરવ છે અને સાથે સાથે શ્રદ્ધાળુઓની આસ્થાનું પણ કેન્દ્ર છે. ગિરનાર પર્વત પર જે ગુરુ ગૌરક્ષનાથ મંદિર છે તે ઘણા લોકોની આસ્થાનું કેન્દ્ર છે. અહીંના શિખર પર જ 26 ફૂટ લાંબી ધજા ચઢાવવામાં આવી છે. મંદિરના શિખર પર સંતો અને ભક્તો દ્વારા પૂજા વિધિ કરવામાં આવી હતી અને બાદમાં સ્તંભ ઊભો કરવામાં આવ્યો હતો. જેના પર ધજા લગાવવામાં આવી. ઉલ્લેખનીય છે કે, આ ધજાની સાથે સાથે 6 જર્મન સિલ્વરના છત્ર અને 6 પિત્તળના કળશનું પણ સ્થાપન રવિવારે કરવામાં આવવાનું છે.

ગુરુ ગોરક્ષનાથ મંદિરનો આશ્રમ ગિરનાર રોડ પર નાથજી દલિચાને નામે જીવંત છે. તમને જણાવી દઇએ કે, કે, ગૌરક્ષનાથ મંદિર પર ચોમાસા દરમિયાન વીજળી ત્રાટકી હતી.જેના કારણે મંદિર પરનો ઘુમ્મટ તૂટી ગયો હતો, તે બાદ જીર્ણોદ્ધારનું કામ કરવામાં આવ્યુ, જે હાલ ચાલુ છે. આગામી દિવસોમાં એ તૈયાર થઇ જશે.

ગોરક્ષનાથ મંદિરના મહંત પીર યોગી સોમનાથજી, સંદીપ ખેલે તેમજ કૌશિક સોનપાલ, ગુરુ રાજનાથજી, રઘુનાથજી યેમુલ, દાતા સંજીવ મનસોત્રા, અતુલ જોષી સહિત અન્ય સેવક સમુદાય દ્વારા સમગ્ર ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ગિરનાર શિખર પર ગુરુ ગોરક્ષનાથજીએ 1200 વર્ષ તપશ્ચર્યા કરી હતી. તેમણે પ્રજ્જવલિત કરેલ ધૂણી આજે પણ અખંડ છે. હાલના મહંત પીર યોગી સોમનાથજી 12 વર્ષ સતત શિખર પરથી નીચે ઊતર્યા જ નહોતા.

Team Dharmik