11 વર્ષના માસુમ ભવ્યને જીવલેણ બીમારીએ લીધો ચપેટમાં, પછી તેને લીધો સંથારાનો સહારો, પિતાએ કહ્યું, “મને મારા દીકરા પર ગર્વ છે !”

દુનિયાભરમાં ઘણા લોકો એવી બીમારીથી પીડાતા હોય છે જે લાઈલાજ હોય છે. ત્યારે જીવન અને મૃત્યુ આપણા હાથમાં નથી હોતું. એ ઈશ્વરના હાથમાં છે. કોના જીવનમાં કેટલા શ્વાસ લખાયેલા છે તે ફક્ત ઉપરવાળો જાણતો હોય છે. પરંતુ ઘણીવાર માણસ જીવતે જીવંત કેટલીક એવી બીમારીઓમાં પણ સપડાઈ જતો હોય છે કે તે એવું ઈચ્છતો હોય છે કે આ બધામાંથી મોત મળે તો સારું. પરંતુ એ પણ સંભવ બનતું નથી.

ત્યારે હાલ અજમેરમાં એક 11 વર્ષના બાળક સાથે જે બન્યું તે ખરેખર હૃદય કંપાવી દેનારું છે.  11 વર્ષનો ભવ્ય ચાંગેરીયા નામનો બાળક જયારે ફક્ત 7 વર્ષનો હતો ત્યારે તેને બ્રેઈન ટ્યુમર ડિટેકટ થયું હતું. છેલ્લા 4 વર્ષથી તે આ બીમારીમાં સપડાયો. જે ઉંમર બાળકોના હરવા ફરવાની, ભણવાની અને રમવાની હોય છે એ ઉંમરમાં જ ભવ્ય આ બીમારીમાં સપડાઈ ગયો.

પરંતુ તે મનથી ખુબ જ મક્કમ હતો, તેની સારવાર પણ ચાલી રહી હતી. પરિવારે અમદાવાદ સહિતના અલગ અલગ શહેરોમાં તેની સારવાર કરાવી.  ભવ્યને છેલ્લે અજમેરની જે.એલ.એન. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં વેન્ટિલેટર પર રહેલા ભવ્યને જોઈને ડોકટરે કહ્યું કે હવે તેમના હાથમાં કઈ નથી. જેના બાદ ગત ગુરુવારના રોજ ભવ્યને ઘરે લાવવામાં આવ્યો, ભવ્યએ તેના પરિવાર સમક્ષ સંથારો લેવાની ઈચ્છા વ્યક્ત કરી.

સંથારો લેવા માટે જૈન સમાજના સાધુ-સાધ્વીઓની પરવાનગી લેવાની અનિવાર્ય હોય છે. પરવાનગી માંગતા જૈન સમાજના સાધ્વીઓએ ભવ્યને સંથારો લેવાની પરવાનગી આપી.  જેના બાદ ભવ્યએ અન્ન જળનો ત્યાગ કર્યો. તેની મમ્મી તેના બાજુમાં જ બેસીને રડતી હતી ત્યારે ભવ્ય કહેતો હતો કે મમ્મી તું રડીશ નહિ અને મને હસતા હસતા વિદાય આપજો.

ભવ્યએ આધ્યાત્મનો રસ્તો લઈને સંથારો લીધો, કદાચ નાની ઉંમરમાં સંથારો લેવાની આ પહેલી ઘટના હશે. ભવ્યએ બપોરે 1:30 કલાકે સંથારો લીધો અને લગભગ 8.15 કલાકે તેણે છેલ્લા શ્વાસ લીધા હતા. જેના બાદ શુક્રવારે નિવાસ સ્થાનેથી ભવ્યની અંતિમ યાત્રા યોજાઈ. જેમાં જૈન સમાજના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Dharmik Duniya Team