ગુજરાતના આ સમુદ્ર વચ્ચે આવેલા ભગવાન શિવજીના શિવલિંગ પર સમુદ્ર જાતે જ કરે છે અભિષેક, જુઓ સુંદર વીડિયો

ગુજરાતમાં અનેક એવી સુંદર જગ્યાઓ છે જેની આસપાસના લોકોને જ ખબર હોય છે. આશરે પાંચ હજાર વર્ષ પહેલાં અરબી સમુદ્રમાં એક શિવલિંગ પ્રગટ થયું હતું. આજે તે શ્રી ભડકેશ્વર મહાદેવ મંદિર તરીકે જાણીતું છે. દ્વારકાના ઘુઘવતા રત્ના સાગર વચ્ચે અતિ પૌરણિક શિવાલય આવેલું છે. દ્વારકાનું ભડકેશ્વર મહાદેવનું મંદિર અનેક વર્ષોથી માત્ર એક જ ખડક પર ઉભેલું છે અને સ્વયંભૂ શિવલિંગ માનવામાં આવી રહ્યું છે.

જૂન / જુલાઇ મહિનામાં મહાસાગર પોતે શિવલિંગને અભિષેક કરતા હોય તેવો નજારો જોવા મળે છે. વર્ષના કેટલાક સમય માટે આ મંદિર સમુદ્રનો ભાગ બની જાય છે. આ જગ્યાનો સુંદર નજારો ગુજરાત માહિતી ખાતા દ્વારા અપલોડ કરવામાં આવ્યો છે. આ વીડિયો ધણો જ અહ્લાદક છે.

દ્વારકાના દરિયા વચ્ચે ઘેરાયેલ આ સ્વયંભૂ શિવલિંગ શ્રદ્ધાનું કેન્દ્ર બિંદુ અને પ્રવાસીઓનું માનીતું સ્થળ માનવામાં આવે છે. દરિયો જાણે રોજ ભગવાન શિવના ચરણ ધુએ છે તેવુ અહી પ્રતિત થાય છે. આ મંદિર દરિયા વચ્ચે આવેલ એક ખડક પર બનેલું છે. જ્યાં દરિયાની લહેરો રોજ મંદિરને સ્પર્શે છે.

ખારા સમુદ્ર વચ્ચે આવેલ હોવા છતાં આ મંદિરમાંના શિવલિંગનું તેજ હજી પણ અકબંધ છે. આ શિવલિંગમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. વર્ષોથી તેની ચમક અને આકારમાં કોઈ બદલાવ આવ્યો નથી. સમુદ્રની વચ્ચે હોવા છતાં આ શિવલિંગ પર દરિયાઈ વાતાવરણ કે ખારાશની અસર જોવા નથી મળતી.

દ્વારકાના મુખ્ય મંદિરથી લગભગ બે કિ.મિ. ના અંતરે દરિયામાં એક મંદિર આવેલું છે. દ્વારકાના પશ્ચિમ તરફ અરબી સમુદ્ર પર એક ટેકરી પર સ્થિત, ભડકેશ્વર મહાદેવ મંદિર ગીતા મંદિર અને રુક્ષ્મણી મંદિરની નજીક છે. ભડકેશ્વર મહાદેવ મંદિરની અલૌકિક સુંદરતાનું વર્ણન કરવા માટે શબ્દો ઓછા પડે તેમ છે.

દર્શન માટે આવતા પ્રવાસીઓ કલાકો સુધી અહીં બેસીને શાંતિ મેળવે છે. પ્રવાસીઓ અને સ્થાનિક લોકોનો પ્રવાહ અહીં વધ્યો છે. દ્વારકાનું આ ભડકેશ્વર મહાદેવ મંદિરે દરરોજ સ્થાનિકો પૂજન અર્ચન કરવા પધારે છે. સાંજ પડતા જ અહીંનો માહોલ બદલાઈ જાય છે. વાતાવરણ એવુ બને છે કે પ્રવાસીઓને વારંવાર અહીં આવવાનું મન થાય. દર શિવરાત્રીના દિવસે અહીં મોટો મેળો ભરાય છે.

ભક્તોનું માનીએ તો, ભડકેશ્વર મહાદેવના દર્શન માત્રથી જ તમામ દુઃખ દૂર થઈ જાય છે. દૂર-દૂરથી આવતા ભક્તો ભગવાનના દર્શન કરી શાંતિની અનૂભૂતિ કરે છે. આ કારણે ભડકેશ્વર મંદિર સમુદ્રની વચ્ચે આવેલું હોવાથી તેમજ મંદિરની સામે આવેલા વિશાલ પટાંગણમાં પાલિકા દ્વારા મીની ચોપાટી જેવી સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે.

Team Dharmik