સુરતની પહેલી એવી આત્મનિર્ભર કિન્નર કે જેમણે નમકીનની દુકાન શરૂ કરી અને દર મહિને કરે છે હજારો રૂપિયાની કમાણી

સ્ત્રી, પુરુષમાં ભેદભાવ ના કરો તેવા નારા સમાજ લગાવી રહ્યો છે પરંતુ હજુ તો તેના પરિણામો જોઇએ તેવા મળી રહ્યા નથી. ત્યારે આ બધા વચ્ચે થર્ડ જેન્ડરની વાત તો દૂર જ રહી. પરંતુ વર્ષો પહેલા જેવી સ્થિતિ હવે નથી રહી. ઘણા લોકો કિન્નરને સ્વીકારે છે પરંતુ જે લોકો તેમને ધિક્કારે છે તેઓ એ વાત ધ્યાન રાખે કે તેઓ પણ સમાજનો એક ભાગ છે અને ભગવાને જ તેમનું સર્જન કર્યુ છે. આ શબ્દો અમારા નહિ પરંતુ સુરતના એક કિન્નરના છે. જેમનું નામ રાજવી જાન છથે. જેઓ સુરતના અડાજણમાં નમકીનની દુકાન ચલાવે છે.

સુરતના 34 વર્ષના રાજવી જાન બાળપણથી જ સમાજના ડરથી દબાઈને કિન્નર તરીકે પોતાની ઓળખ છૂપાવતા પરંતુ તેમણે આ બધુ બાજુમાં રાખી અને સ્વનિર્ભર બનવા માટે પહેલ કરી છે. કિન્નર સમાજમાંથી રાજવી પહેલી વ્યક્તિ છે જેમણે અડાજણમાં પોતાની નમકીનની દુકાન શરૂ કરી છે અને તેમાથી પોતાનું અને માતા-પિતાનું ગુજરાન ચલાવે છે. રાજવીએ પોતાના કિન્નર સમાજમાં સ્વનિર્ભરતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

સુરતના રાજવી જાન નામના કિન્નરે પાંચ વર્ષ પહેલા એક પેટ શોપ શરુ કરી હતી. જેનાથી તેમને સારી એવી આવક પણ મળતી હતી. પરંતુ ગયા વર્ષે કોરોનાના કારણે બધું જ ચોપાટ થઇ ગયું. અને તેમને પોતાનો આ ધંધો બંધ કરવો પડ્યો. પરંતુ તેમની તકલીફ એટલે જ અટકી નહિ, સતત ચાલી રહેલા લોકડાઉન અને કોરોના વાયરસના કારણે તેમના માથે દેવું પણ થઇ ગયું હતું. આ બાબતે રાજવી જણાવે છે કે, “એ સમયે ઘણીવાર મનમાં આત્મહત્યા કરવાનો પણ વિચાર આવ્યો. પરંતુ હિંમત ભેગી કરી અને ગયા વર્ષે ઓક્ટોબરમાં નમકીનની દુકાન ખોલી.” આ નમકીનની દુકાનમાંથી આજે રાજવી રોજના 1500 થી 2000 રૂપિયાનો વ્યવસાય કરે છે.

રાજવીએ તેમની સાચી ઓળખ જયારે સમાજને બતાવવાનું શરૂ કર્યુ હતુ ત્યારે તેમના પિતાએ વિરોધ કર્યો હતો અને તેમને ઘરમાંથી કાઢી મૂક્યા હતા. ઘરમાંથી બહાર નીકળ્યા બાદ તેમણે કિન્નર સમાજમાં જવાને બદલે સોસાયટીમાં ઘર લઇને આત્મનિર્ભર બનવાનું નક્કી કર્યુ, તેમણે અડાજણમાં નમકીનની દુકાન કરી અને પરિવારથી દૂર રહીને તે સ્વમાન સાથે પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. જો કે, રાજવી માટે આ સફર સરળ ન હતી. ઘર છોડ્યા બાદ તેમને કોઇ ભાડે ઘર આપતુ ન હતુ અને તે બાદ તેણે ટિકટોક પર પોતાની વેદના ઠાલવી હતી જે બાગ તેમને રહેવા માટે છત મળી હતી.

રાજવી પોતાના જીવન વિશે જણાવતા કહે છે કે, “મારો જન્મ સુરતના ઠાકોર પરિવારમાં થયો હતો. માતા પિતાએ મારુ નામ ચિતેયુ ઠાકોર રાખ્યું. મારો જન્મ એક કિન્નરના રૂપમાં થયો હતો. તે છતાં પણ મારી માતાએ મને ખુબ જ પ્રેમ આપ્યો અને આજે પણ મારો સહારો બની છે.  મારા જેવા બાળકોને લોકો કિન્નર સમાજને સોંપી દે છે. પરંતુ મારી માતાએ આમ ના કર્યું. અને મારો બહુ જ સારી રીતે ઉછેર કર્યો.” તે આગળ જણાવે છે કે “મને બાળપણથી જ એક દીકરાના રૂપમાં ઉછેરવામાં આવ્યો હતો અને મારા કપડાં પણ છોકરાની જેમ પહેરાવવામાં આવતા. બીજા માતા પિતા પણ મારા જેવા જન્મવા વાળા બાળકોને સારી રીતે ઉછેરી શકે છે. જેના કારણે તે પોતાના પગ ઉપર ઉભા થઇ શકે અને સામાન્ય જીવન જીવી શકે.”

રાજવીએ એમ પણ જણાવ્યું હતું કે ગુજરાતની અંદર મોટી સંખ્યામાં કિન્નર સમુદાય રહે છે. જેના કારણે તે ઘરમાં રહેતા હોવા છતાં પણ 12 વર્ષની ઉંમરમાં સુરતના કિન્નર મંડળ સાથે જોડાઈ ગઈ હતી. મંડળમાં પણ તેને કિન્નર સાથીઓનો ખુબ જ પ્રેમ મળ્યો હતો.  આજે ગુજરાતના લગભગ 95 ટકા કિન્નર તેને ઓળખે છે અને દરેક રીતે તેને સાથ આપે છે.

રાજવીએ 18 વર્ષની ઉંમરમાં જ ટ્યુશન ક્લાસ શરૂ કર્યા હતા અને તે બાળકોને અંગ્રેજી ટ્યુશન ભણાવતી હતી. તેને 11 વર્ષ સુધી ટ્યુશન ક્લાસ ચલાવ્યા. રાજવીએ 32 વર્ષની ઉંમરમાં પુરુષનો પહેરવેશ છોડી દીધો અને કિન્નર રૂપમાં જ પોતાનું અસલી જીવન શરૂ કરી દીધું અને પોતાનું નામ પણ બદલીને રાજવી રાખી લીધું.

Team Dharmik