101 વર્ષની ઉંમરમાં સૌરાષ્ટ્રના પ્રખ્યાત તીર્થ ધામ તુલસીશ્યામ ધામના મહંત બાલકૃષ્ણદાસ બાપુ થયા બ્રહ્મલીન

સૌરાષ્ટ્રમાં ઘણા તીર્થ સ્થાનો આવેલા છે જેમાં એક ગીર સોમનાથ જિલ્લામાં આવેલું ધાર્મિક સ્થળ તુલસીશ્યામ પણ છે. તુલસીશ્યામના મહંત બાલકૃષ્ણદાસ બાપુ 101 વર્ષની ઉંમરે બ્રહ્મલીન થયા હોવાની ખબર આવતા જ ભક્તો દુઃખમાં ગરકાવ થઇ ગયા છે.

મહંત બાલકૃષ્ણદાસ બાપુનું મહુવાના કાટકડા સંજીવની આશ્રમ ખાતે નિધન થયું હતું. મહંત બાલકૃષ્ણદાસ બાપુના નિધનથી સેવકોમાં શોકની લાગણી વ્યાપી છે. સોમનાથ કથા દરમિયાન મહંત બાલકૃષ્ણદાસ બાપુના નિધન ઉપર મોરારી બાપુએ પણ શોક વ્યક્ત કર્યો હતો.

બાલકૃષ્ણદાસ બાપુ કથાકાર મોરારીબાપુના પ્રિય મહંત હતા. મોરારીબાપુ તેમના દર્શન માટે વાંરવાર આવતા હતા અને અનેક જાહેર કાર્યક્રમમાં બાલકૃષ્ણદાસ બાપુને યાદ કરતા હતા. આજે જ્યારે બાલકૃષ્ણબાપુ બ્રહ્મલિન થયાના સમાચાર મળતા મોરારીબાપુ શોકમાં ગરકાવ થયા હતા. સોમનાથ ખાતે ચાલી રહેલી તેમની કથા દરમિયાન તેમણે આ દુઃખદ સમાચાર અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસ પહેલા તુલસીશ્યામ ટ્રસ્ટી પ્રતાપભાઈ વરૂનુ પણ અવસાન થયું હતું અને આજે મહંત બાલકૃષ્ણદાસ બાપુનો દેહવિલય થતા અમરેલી સહિત સૌરાષ્ટ્ર મુંબઈ સેવકગણમાં શોક છવાયો છે. સોશિયલ મીડિયાના માધ્યમથી સેવકગણ શોક સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યાં છે.

Dharmik Duniya Team