અંબાજીમાં 500 રૂપિયાની પ્રસાદીની ટોપલીના દુકાનદારે વસૂલ્યા અધધ રૂપિયા, અમદાવાદના પટેલ પરિવારને થયો ડરામણો અનુભવ

અંબાજી જતા પહેલા ચેતી જજો, ત્યાં કેવી ભયાનક રીતે ગુજરાતીઓને લૂંટી રહ્યા છે, અમદાવાદીને થયેલો કડવો અનુભવ જાણીને ધ્રુજી ઉઠશો

ગુજરાતમાંથી ઘણીવાર છેતરપિંડીના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર એવું બને છે કે ગ્રાહકોને છેતરી દુકાનદાર પૈસા પડાવી લેતા હોય છે. પરંતુ આવો કિસ્સો કોઇ મંદિરમાં બને તો ?… હાલ છેતરપિંડીનો કિસ્સો અંબાજીમાંથી સામે આવ્યો છે, જેમાં પ્રસાદીની ખરીદીમાં યાત્રિકો લૂંટાતા હોવાની સમસ્યા યથાવત રહેવા પામી છે. અમદાવાદના એક યાત્રિક પાસેથી 500 રૂપિયાની પ્રસાદીની ટોપલીના 1360 રૂપિયા વસૂલાતા જાગૃત નાગરિકે અંબાજી પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

દુકાનદારો દ્વારા ગ્રાહકને મંદિર બંધ થઇ જશે એમ કહેતા મન માંગ્યા પૈસા ઉઘરાવાતા હોવાનો ભક્તો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. જો કે, એક દુકાનદારે તો ગ્રાહક પાસેથી ડરાવી ધમકાવી પૈસા પડાવતા હોવાની ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે, અવ્યવસ્થાને લઇ અનેકવાર ભક્તો દ્વારા રજૂઆત કરવામાં આવી છે તેમ છત્તાં પણ મંદિર પ્રશાસન આંખ આડા કાન કરી રહ્યુ તેમ લાગી રહ્યુ છે.

અમદાવાદના ગોપાલભાઇ પટેલ શુક્રવારના રોજ તેમના મિત્રો સાથે પાટણથી અંબાજી દર્શન અર્થે આવ્યા હતા અને આ દરમિયાન એક પ્રસાદીનો વેપારી તેમને આગળનો રસ્તો બંધ હોવાનું અને ગાડી પાર્કિંગ સુધી લઇ જવાનું કહી મંદિરના પાછળના ભાગે લઇ ગયો હતો. આ ઘટના અંબાજીમાં પ્રવેશતા જ એકાવન શક્તિપીઠ સર્કલ પર બની હતી. તેણે સુંધા માતા પ્રસાદ સ્ટોર પોતાનું હોવાની કહી 251 રૂપિયાની બે પ્રસાદની ટોપલી યાત્રિકને પધરાવી અને પ્રસાદના નાણાં ચૂકવવા બાબતે તેણે યાત્રિકને મંદિર બંધ થવાનો સમય જણાવી પ્રસાદના પૈસા પરત આવી આપવા જણાવ્યું હતું.

પરંતુ જ્યારે યાત્રિકે 2 પ્રસાદની ટોપલીના 502 રૂપિયા ચૂકવ્યા ત્યારે તેમની પાસે દુકાનદારે રૂપિયા 1360ની માંગણી કરી. આ બાબતે ઘણી બોલાચાલી થઇ અને મામલો વધતા પ્રસાદીના વેપારી દિનેશભાઇ વણજારા અને મનીષભાઇ, રાહુલ તેમજ રામુભાઇને બોલાવી 1360 રૂપિયા નહિ આપો તો જીવતા નહિ જવા દઈએ તેવી ધમકી આપી હતી. ત્યારે યાત્રિકોએ પોતાની સલામતી માટે એટલા રૂપિયા ચૂકવી દીધા હતા. જે બાદ ગ્રાહક સુરક્ષા કેન્દ્રની સલાહથી અંબાજી પોલીસ મથકે પ્રસાદના વેપારી સામે કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી.

Team Dharmik