બિચારી આ દીકરીને ખબર નથી મમ્મી પપ્પા ઝૂલતા પુલમાં મરી ગયા, 7 વર્ષની બાળકી અનાથ થઇ ગઈ, હું મારી મમ્મીને શોધતી હતી પણ

30 ઓક્ટોબર રવિવારનો દિવસ મોરબી માટે અંધકાર લઇને આવ્યો. મોરબીમાં ગત રવિવારે 6.30 વાગ્યે ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટના બની હતી. આ દુર્ઘટનામાં ઘણા લોકોએ પોતાના બાળકો તો ઘણા બાળકોએ પોતાના મા-બાપ ગુમાવ્યા છે. એક પરિવારના તો 12 લોકો આ દુર્ઘટનામાં મોતને ભેટ્યા છે. આ ઉપરાંત એક નવદંપતિ કે જેમના 5 મહિના પહેલા લગ્ન થયા હતા તે પણ આ દુર્ઘટનામાં મોતને ભેટ્યા છે. ત્યારે અમદાવાદના આંબાવાડીમાં રહેતા ચાવડા પરિવારનાં દંપતીનું પણ મોરબીની આ ગોઝારી ઘટનામાં મોત થયું છે. આ દુર્ઘટનામાં દંપતિની સાત વર્ષની બાળકીનો ચમત્કારિક રીતે બચાવ થયો છે.

પુલ તૂટતાંની સાથે જ દંપતી પાણીમાં પડયું જ્યારે સાત વર્ષની બાળકીના હાથમાં દોરી આવી જતાં તેણે પકડી લીધી હતી. તે લટકી જતાં તે બચી ગઈ પરંતુ તેના માતા-પિતા બચી શકયા નહોતા. તેઓ સાથે તેમના ભાણી-ભાણેજ પણ ફરવા આવ્યાં હતાં, જેમાં ભાણીનું પાણીમાં ડૂબી જવાથી મોત થયું જ્યારે ભાણેજને તરતા આવડતું હોવાથી તે તરીને બહાર આવી ગયો અને બચી ગયો. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં સાત વર્ષની હર્ષિનાએ જણાવ્યુ કે, તે મમ્મી-પપ્પા સાથે કચ્છમાં ફરવા ગઈ હતી અને ત્યાંથી પછી મોરબી ગઇ હતી.

મોરબીમાં ઝુલતો પુલ તૂટતાં તેઓ પાણીમાં પડી ગયા અને તે તેની મમ્મીને શોધી રહી હતી. તેના હાથમાં દોરી આવવાને કારણે તેણે પકડી લીધી અને તેને પોલીસકર્મીએ બચાવી હતી. દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તેના પિતા અશોકભાઈ અને તેની માતા ભાવનાબેન હવે નથી રહ્યાં, પરંતુ જે દુઃખ ચાવડા પરિવાર પર આવી પડ્યું છે એમાં વહુ અને દીકરા ઉપરાંત પરિવારે 20 વર્ષની ભાણી પણ ગુમાવી છે. જો કે, સદનસીબે સાત વર્ષિય બાળકી અને ભાણેજ બચી ગયા, પરંતુ પરિવાર પર હવે આ સાત વર્ષની બાળકીની મોટી જવાબદારી આવી પડી છે.

માતા-પિતા વિનાની આ નાની બાળકીની જવાબદારી કોણ ઉપાડશે, તેનો ભણવાનો ખર્ચ, તેના લગ્નનો ખર્ચ વગેરે કઈ રીતે પૂર્ણ થશે એની અત્યારથી જ પરિવારમાં ચિંતા થઈ છે. પ્રાપ્ત વિગત અનુસાર, અમદાવાદના હીરાબાગ ક્રોસિંગ પાસે આવેલા સુખીપુરાના છાપરામાં રહેતા અશોકભાઈ અને ભાવનાબેનના મોરબી દુર્ઘટનામાં મોત થયા બાદ તેમની સાત વર્ષિય દીકરી હર્ષિનાના માથા પરથી માતા-પિતાની છત્રછાયા નથી રહી. મોરબીમાં મૃતક અશોકભાઈની બહેન રહેતી હોવાના કારણે તેઓ તેમના ઘરે તેઓ રોકાયા હતા

અને સાંજના સમયે અશોકભાઈ તેમની પત્ની ભાવનાબેન દીકરી હર્ષિના, ભાણી પૂજા અને ભાણેજ કાર્તિક સાથે ઝૂલતા પુલ પર ફરવા માટે ગયા હતા. મૃતક અશોકભાઈના પિતાએ જણાવ્યું કે આ દુર્ઘટનામાં તેમના દીકરા, વહુ અને ભાણીનું મોત થયું છે અને સદનસીબે સાત વર્ષની દીકરી હર્ષિના અને ભાણિયો બચી ગયો છે. હવે હર્ષિનાને ભણાવવાની અને મોટી કરવાની તેમજ લગ્નનો ખર્ચ ઉપાડવાની જવાબદારી તેમના પર આવી ગઇ છે.

Team Dharmik